મોહનથાળ નો ડબ્બો
હંમેશા મુજબ સાન્જે 6:00 વાગ્યે ઓફીસથી નીકળી ઘરે પાછા જવા 6:30 ની ભાયંદર ફાસ્ટ પકડી ઘરે જવા નીકળ્યો. રસ્તા માં મારા મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહેજે મને થોડું કામ છે. હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાં બનેલા પાર્કીંગની રેલીંગ પર બેઠો હતો. એક 70-75 વર્ષના વૃદ્ધ જેને જાડા કાચના ચશ્મા પહેરેલા હતા અને મેલાં-ઘેલા કપડાં પહેર્યાં હતાં તે મારા પાસે આવી મારા પગ પકડીને બોલ્યા : "સાહેબ બહુ ભુખ લાગી છે એક વડાપાવ ખવડાવશો ? " તે કોઈ ભિખારી હોય તેવુ લાગતું ન હતું કે તેને ભિક્ષા માંગવાની આદત હોય તેમ પણ લાગતું ન હતું. અચાનક પગ પકડવાથી હું હડબડી ને નીચે ઉતરી ગયો. આ વ્યક્તિ ને જોઈ મને સંકોચ થયો. મેં કહ્યું: "કાકા ભુખ લાગી છે ?" ને પછી ખીસામાં હાથ નાખી 50 ની નોટ કાઢી તેમના હાથમાં મુકી તો તેઓએ તરતજ પાછી આપી કહે: "નહી ભાઇ આટલા બધા નહીં મને ફક્ત વડાપાઉ જેટલાં જ પૈસા આપો". હું જઈ ને બે વડાપાઉં લઇ આવ્યો. કાકા ત્યાં જ નીચે બેસીને ખાવા લાગ્યા. મેં પૂછ્યું ,"કાકા ક્યાંથી આવો છો? કયાં જાવું છે ? કોઇ ને શોધવા નીકળ્યા છો કે શું ?" તેમણે જવાબ આપ્યો: "હું પુ...